ઓવ્યુલેશન એટલે શું? (Ovulation Meaning in Gujarati): પ્રક્રિયા, લક્ષણો, સમય અને ગર્ભધારણામાં તેની ભૂમિકા

Last updated: September 06, 2026

Overview

સ્ત્રીના પ્રજનન સ્વાસ્થ્યમાં ઓવ્યુલેશન (Ovulation) એક અત્યંત મહત્વપૂર્ણ કુદરતી પ્રક્રિયા છે. ગર્ભધારણાની શક્યતા સમજવા માટે માસિક ચક્ર, ઓવ્યુલેશનનો સમય અને તેના સંકેતો વિશે જાણવું ઉપયોગી છે. સામાન્ય રીતે, ઓવ્યુલેશન દરમિયાન અંડાશયમાંથી પરિપક્વ અંડાણુ (Egg) બહાર આવે છે અને તે ફેલોપિયન ટ્યુબ તરફ આગળ વધે છે. આ સમયગાળા દરમિયાન શુક્રાણુ સાથે અંડાણુનું મિલન થાય તો નિષેચન અને ત્યારબાદ ગર્ભધારણાની શરૂઆત થઈ શકે છે.

ઓવ્યુલેશન એટલે શું?

ઓવ્યુલેશન એટલે અંડાશયમાંથી પરિપક્વ અંડાણુ બહાર આવવાની પ્રક્રિયા. માસિક ચક્ર દરમિયાન અંડાશયમાં અનેક ફોલિકલ્સ વિકસવા લાગે છે, જેમાંથી સામાન્ય રીતે એક ફોલિકલ વધુ પરિપક્વ બને છે. ઓવ્યુલેશન સમયે આ પરિપક્વ ફોલિકલમાંથી અંડાણુ બહાર આવે છે.

અંડાણુ બહાર આવ્યા પછી તે ફેલોપિયન ટ્યુબમાં પ્રવેશ કરે છે. જો આ સમય દરમિયાન શુક્રાણુ હાજર હોય અને તે અંડાણુ સાથે જોડાય, તો નિષેચન થઈ શકે છે. તેથી, ઓવ્યુલેશન ગર્ભધારણ માટેના સૌથી મહત્વપૂર્ણ તબક્કાઓમાંનું એક છે.

દરેક સ્ત્રીમાં ઓવ્યુલેશનનો ચોક્કસ દિવસ એકસરખો હોતો નથી. માસિક ચક્રની લંબાઈ, હોર્મોન્સ, ઉંમર, આરોગ્ય અને અન્ય પરિબળો તેના સમયમાં ફેરફાર કરી શકે છે.

 

ઓવ્યુલેશન ક્યારે થાય છે?

ઘણા લોકો માને છે કે ઓવ્યુલેશન હંમેશાં માસિક ચક્રના 14મા દિવસે થાય છે, પરંતુ આ નિયમ દરેક સ્ત્રીને લાગુ પડતો નથી. સામાન્ય રીતે ઓવ્યુલેશન આગામી માસિક શરૂ થાય તેના આશરે 12થી 14 દિવસ પહેલાં થાય છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રીનું ચક્ર 28 દિવસનું હોય, તો ઓવ્યુલેશન ઘણીવાર ચક્રના મધ્યભાગની આસપાસ થઈ શકે છે. પરંતુ જો ચક્ર 30, 32 અથવા 35 દિવસનું હોય, તો ઓવ્યુલેશનનો દિવસ પણ અલગ હોઈ શકે છે.

આ ઉપરાંત, અનિયમિત માસિક ચક્ર ધરાવતી સ્ત્રીઓમાં ઓવ્યુલેશનનો સમય કેલેન્ડર દ્વારા ચોક્કસ રીતે નક્કી કરવો વધુ મુશ્કેલ હોય છે. તેથી ગર્ભધારણાની યોજના બનાવતી વખતે માત્ર તારીખ ગણવા કરતાં શરીરમાં થતા ફેરફારો અથવા ઓવ્યુલેશન ટેસ્ટનો ઉપયોગ વધુ ઉપયોગી બની શકે છે.

ઓવ્યુલેશનની પ્રક્રિયા કેવી રીતે થાય છે?

ઘણા લોકો માને છે કે ઓવ્યુલેશન હંમેશાં માસિક ચક્રના 14મા દિવસે થાય છે, પરંતુ આ નિયમ દરેક સ્ત્રીને લાગુ પડતો નથી. સામાન્ય રીતે ઓવ્યુલેશન આગામી માસિક શરૂ થાય તેના આશરે 12થી 14 દિવસ પહેલાં થાય છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રીનું ચક્ર 28 દિવસનું હોય, તો ઓવ્યુલેશન ઘણીવાર ચક્રના મધ્યભાગની આસપાસ થઈ શકે છે. પરંતુ જો ચક્ર 30, 32 અથવા 35 દિવસનું હોય, તો ઓવ્યુલેશનનો દિવસ પણ અલગ હોઈ શકે છે.

આ ઉપરાંત, અનિયમિત માસિક ચક્ર ધરાવતી સ્ત્રીઓમાં ઓવ્યુલેશનનો સમય કેલેન્ડર દ્વારા ચોક્કસ રીતે નક્કી કરવો વધુ મુશ્કેલ હોય છે. તેથી ગર્ભધારણાની યોજના બનાવતી વખતે માત્ર તારીખ ગણવા કરતાં શરીરમાં થતા ફેરફારો અથવા ઓવ્યુલેશન ટેસ્ટનો ઉપયોગ વધુ ઉપયોગી બની શકે છે.

ઓવ્યુલેશનની પ્રક્રિયા કેવી રીતે થાય છે?

ઓવ્યુલેશન એક જ ક્ષણમાં થતી સરળ ઘટના નથી, પરંતુ હોર્મોન્સ દ્વારા નિયંત્રિત થતી પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ તબક્કો છે.

હોર્મોન્સની ભૂમિકા

માસિક ચક્ર દરમિયાન મગજ અને અંડાશય વચ્ચે હોર્મોનલ સંકલન થાય છે. ખાસ કરીને FSH (ફોલિકલ -સીમ્યુલેટિંગ હોર્મોન) અને LH (લ્યુટેનાઈઝીંગ  હોર્મોન) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

FSH અંડાશયમાં ફોલિકલ્સના વિકાસમાં મદદ કરે છે. આ ફોલિકલ્સમાં અંડાણુ વિકસે છે. જેમ જેમ એક ફોલિકલ પરિપક્વ થવા લાગે છે તેમ તેમાં ઈસ્ટ્રોજનનું ઉત્પાદન વધે છે.

ઈસ્ટ્રોજનનું સ્તર ચોક્કસ તબક્કે ઊંચું પહોંચે ત્યારે શરીરમાં LH સર્જ, એટલે કે LH હોર્મોનમાં અચાનક વધારો થઈ શકે છે. આ LH surge ઓવ્યુલેશન શરૂ થવા માટેનું મહત્વપૂર્ણ સંકેત છે.

અંડાશયમાંથી અંડાણુ કેવી રીતે બહાર આવે છે?

LH surge પછી પરિપક્વ ફોલિકલમાં એવા ફેરફારો થાય છે જેના પરિણામે ફોલિકલ ફાટી શકે છે અને તેમાં રહેલું અંડાણુ અંડાશયની બહાર આવે છે. ત્યારબાદ અંડાણુ ફેલોપિયન ટ્યુબ તરફ આગળ વધે છે.

જો શુક્રાણુ સાથે તેનું નિષેચન થાય, તો ગર્ભધારણ થઈ શકે છે. જો નિષેચન ન થાય, તો અંડાણુની જીવનક્ષમતા સમાપ્ત થાય છે અને આગળના હોર્મોનલ ફેરફારો સાથે માસિક શરૂ થાય છે.

ઓવ્યુલેશનના સામાન્ય લક્ષણો

દરેક સ્ત્રીને ઓવ્યુલેશન દરમિયાન સ્પષ્ટ લક્ષણો અનુભવાય એવું જરૂરી નથી. કેટલીક સ્ત્રીઓમાં શરીરમાં નાના ફેરફારો જોવા મળે છે, જ્યારે કેટલીક સ્ત્રીઓને કોઈ ખાસ લક્ષણ અનુભવાતું નથી.

શરીરમાં જોવા મળતા ફેરફારો

ઓવ્યુલેશનની આસપાસ કેટલાક લોકોને શરીરના તાપમાનમાં નાનો ફેરફાર, સ્તનોમાં સંવેદનશીલતા, પેટમાં હળવી અસ્વસ્થતા અથવા કામેચ્છામાં વધારો જેવા ફેરફારો અનુભવાઈ શકે છે.

બેઝલ બોડી ટેમ્પરેચર એટલે કે સવારે આરામની સ્થિતિમાં શરીરનું તાપમાન પણ ઓવ્યુલેશન પછી થોડું વધતું જોવા મળી શકે છે. જોકે આ પદ્ધતિ ઓવ્યુલેશનનું ચોક્કસ અનુમાન કરવા માટે સંપૂર્ણ વિશ્વસનીય નથી.

યોનિ સ્રાવમાં થતા ફેરફારો

ઓવ્યુલેશનની આસપાસ યોનિ અને સર્વિક્સમાંથી નીકળતા સ્રાવમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સમય દરમિયાન સ્રાવ સામાન્ય દિવસોની સરખામણીમાં વધુ પારદર્શક, ભીનું અને ખેંચાય એવું થઈ શકે છે.

આ પ્રકારનો સ્રાવ શુક્રાણુને સ્ત્રીના પ્રજનન માર્ગમાં આગળ વધવામાં મદદરૂપ પરિસ્થિતિ બનાવી શકે છે. તેથી, યોનિ સ્રાવમાં થતા આ ફેરફારોને કેટલીક સ્ત્રીઓ પોતાના ફર્ટાઇલ દિવસોના કુદરતી સંકેત તરીકે ઓળખી શકે છે.

પેટના નીચેના ભાગમાં દુખાવો (ઓવ્યુલેશન પેઈન)

કેટલીક સ્ત્રીઓને ઓવ્યુલેશનની આસપાસ પેટના નીચેના ભાગમાં હળવો દુખાવો અથવા ખેંચાણ અનુભવાય છે. તેને ઘણીવાર મિટ્ટલ્શર્મઝ(Mittelschmerz) કહેવામાં આવે છે.

આ દુખાવો ક્યારેક એક બાજુ વધુ અનુભવાઈ શકે છે અને સામાન્ય રીતે થોડા સમય માટે રહે છે. જોકે દરેક પેટનો દુખાવો ઓવ્યુલેશનને કારણે જ હોય એવું નથી. જો દુખાવો ખૂબ તીવ્ર હોય, લાંબો સમય રહે અથવા અન્ય અસામાન્ય લક્ષણો સાથે હોય, તો તબીબી સલાહ લેવી જરૂરી છે.

ઓવ્યુલેશન અને ગર્ભધારણા વચ્ચે શું સંબંધ છે?

ઓવ્યુલેશન અને ગર્ભધારણા વચ્ચે સીધો સંબંધ છે કારણ કે ગર્ભધારણાની શરૂઆત માટે અંડાણુ ઉપલબ્ધ હોવું જરૂરી છે. ઓવ્યુલેશન પછી અંડાણુ ફેલોપિયન ટ્યુબમાં રહે છે, જ્યાં શુક્રાણુ સાથે તેનું મિલન થઈ શકે છે.

પરંતુ માત્ર ઓવ્યુલેશનના દિવસે જ ગર્ભધારણાની શક્યતા હોય એવું નથી. શુક્રાણુ સ્ત્રીના પ્રજનન માર્ગમાં કેટલાક દિવસો સુધી જીવંત રહી શકે છે, તેથી ઓવ્યુલેશન પહેલાંના દિવસોમાં થયેલ જાતીય સંબંધથી પણ ગર્ભધારણ થઈ શકે છે.

આથી, ગર્ભધારણાની દૃષ્ટિએ માત્ર એક દિવસને બદલે ઓવ્યુલેશનની આસપાસનો ફર્ટાઇલ વિન્ડો મહત્વપૂર્ણ છે. ગર્ભધારણાની શક્યતા વધારવા માટે ઓવ્યુલેશનના સમયને સમજવો ઉપયોગી છે.

ઓવ્યુલેશન ન થવાના સામાન્ય કારણો

કેટલીક પરિસ્થિતિઓમાં માસિક આવતું હોવા છતાં નિયમિત રીતે ઓવ્યુલેશન ન થાય અથવા ઓવ્યુલેશન સંપૂર્ણપણે બંધ થઈ શકે છે. તેને અનોવ્યુલેશન કહેવામાં આવે છે. ઓવ્યુલેશનમાં સમસ્યા સ્ત્રીમાં વંધ્યત્વનું એક મહત્વપૂર્ણ કારણ બની શકે છે.

પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ (PCOS)

PCOS (પોલિસિસ્ટિક ઓવરી સિન્ડ્રોમ) હોર્મોનલ અને મેટાબોલિક પરિસ્થિતિ છે, જેમાં ઓવ્યુલેશન અનિયમિત થઈ શકે છે. તેના કારણે માસિક ચક્ર અનિયમિત થવું, એન્ડ્રોજનનું પ્રમાણ વધવું અને અંડાશયની રચનામાં ફેરફારો જેવા લક્ષણો જોવા મળી શકે છે.

હોર્મોનલ અસંતુલન

પ્રજનન હોર્મોન્સમાં અસંતુલન ઓવ્યુલેશનને અસર કરી શકે છે. FSH, LH, ઈસ્ટ્રોજન અથવા અન્ય હોર્મોન્સમાં થતા ફેરફારોના કારણે ફોલિકલનો વિકાસ અથવા અંડાણુ બહાર આવવાની પ્રક્રિયા અસરગ્રસ્ત થઈ શકે છે.

થાયરોઇડની સમસ્યાઓ

હાઇપોથાયરોઇડિઝમ અથવા હાઇપરથાયરોઇડિઝમ જેવી થાયરોઇડની સમસ્યાઓ માસિક ચક્ર અને ઓવ્યુલેશનને અસર કરી શકે છે. ખાસ કરીને અનિયમિત માસિક અથવા માસિક બંધ થવાની સ્થિતિમાં થાયરોઇડ હોર્મોનનું મૂલ્યાંકન કરવામાં આવી શકે છે.

વધુ તણાવ અને જીવનશૈલી

વધુ માનસિક તણાવ, અતિશય કસરત, શરીરના વજનમાં નોંધપાત્ર વધારો અથવા ઘટાડો અને કેટલીક અન્ય જીવનશૈલી સંબંધિત પરિસ્થિતિઓ ઓવ્યુલેશનને અસર કરી શકે છે.

ઓવ્યુલેશન થઈ રહ્યું છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

ઓવ્યુલેશનની હાજરી અથવા સમય જાણવા માટે વિવિધ પદ્ધતિઓ ઉપલબ્ધ છે. કઈ પદ્ધતિ યોગ્ય છે તે વ્યક્તિના માસિક ચક્ર અને તબીબી પરિસ્થિતિ પર આધાર રાખે છે.

ઓવ્યુલેશન ટેસ્ટ કિટ

ઘરે ઉપયોગમાં લેવાતી ઓવ્યુલેશન પ્રેડિયટોર કીટ (OPK) સામાન્ય રીતે પેશાબમાં LHના વધારાને શોધે છે. LH સર્જ ઓવ્યુલેશન નજીક આવવાનું સંકેત આપી શકે છે.

આ ટેસ્ટ સરળ છે, પરંતુ દરેક વ્યક્તિમાં તેની ચોકસાઈ સમાન હોતી નથી. ખાસ કરીને PCOS જેવી પરિસ્થિતિમાં LHનું સ્તર પહેલેથી જ વધેલું હોઈ શકે છે, જેના કારણે ખોટા પોઝિટિવ પરિણામો મળી શકે છે.

ફોલિક્યુલર મોનિટરિંગ

ડૉક્ટરની દેખરેખ હેઠળ ટ્રાન્સવેજાઇનલ અલ્ટ્રાસાઉન્ડ દ્વારા અંડાશયમાં ફોલિકલના વિકાસને જોઈ શકાય છે. અલગ-અલગ દિવસોમાં કરવામાં આવતા અલ્ટ્રાસાઉન્ડ દ્વારા ફોલિકલની વૃદ્ધિ અને ઓવ્યુલેશનની સંભાવના અંગે માહિતી મેળવી શકાય છે.

રક્ત પરીક્ષણ

કેટલીક પરિસ્થિતિમાં હોર્મોનનું રક્ત પરીક્ષણ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, યોગ્ય સમયે કરવામાં આવેલ પ્રોજેસ્ટેરોન ટેસ્ટ ઓવ્યુલેશન થયું છે કે નહીં તેની પુષ્ટિ કરવામાં મદદ કરી શકે છે. અન્ય હોર્મોન ટેસ્ટનો ઉપયોગ સંભવિત કારણ શોધવા માટે વ્યક્તિની સ્થિતિ અનુસાર કરવામાં આવી શકે છે.

ઓવ્યુલેશન સુધારવા માટે શું કરવું?

ઓવ્યુલેશનમાં સમસ્યા હોય તો સૌપ્રથમ તેનું કારણ સમજવું જરૂરી છે. દરેક વ્યક્તિ માટે એકસરખો ઉપાય યોગ્ય નથી.

સંતુલિત આહાર, નિયમિત અને યોગ્ય શારીરિક પ્રવૃત્તિ, પૂરતી ઊંઘ, તણાવનું સંચાલન અને સ્વસ્થ જીવનશૈલી પ્રજનન સ્વાસ્થ્ય માટે લાભદાયક હોઈ શકે છે. શરીરના વજનમાં ખૂબ મોટો વધારો અથવા ઘટાડો હોય તો તબીબી માર્ગદર્શન હેઠળ તેને યોગ્ય સ્તરે લાવવું પણ મહત્વપૂર્ણ બની શકે છે.

જો PCOS, થાયરોઇડની સમસ્યા અથવા અન્ય હોર્મોનલ કારણ હોય, તો તેનું યોગ્ય નિદાન અને સારવાર જરૂરી છે. કેટલીક પરિસ્થિતિઓમાં ડૉક્ટર ઓવ્યુલેશન ઇન્ડક્શન માટે દવાઓની ભલામણ કરી શકે છે. આવી દવાઓ પોતાની રીતે લેવી નહીં; યોગ્ય દવા, માત્રા અને સમય તબીબ નક્કી કરે છે.

ક્યારે ડૉક્ટરની સલાહ લેવી?

જો માસિક ચક્ર વારંવાર ખૂબ અનિયમિત હોય, લાંબા સમય સુધી માસિક ન આવતું હોય, વારંવાર ઓવ્યુલેશન ન થતું હોવાની શંકા હોય અથવા ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડી રહી હોય, તો ગાયનેકોલોજિસ્ટ અથવા ફર્ટિલિટી નિષ્ણાતની સલાહ લેવી યોગ્ય છે.

જો 35 વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિ નિયમિત રીતે ગર્ભનિરોધક વિના જાતીય સંબંધ હોવા છતાં 12 મહિના સુધી ગર્ભધારણ ન કરી શકે, તો ફર્ટિલિટી મૂલ્યાંકન કરાવવાની ભલામણ કરવામાં આવે છે. 35 વર્ષ કે તેથી વધુ ઉંમરે આ મૂલ્યાંકન સામાન્ય રીતે 6 મહિના પછી શરૂ કરવાની ભલામણ કરવામાં આવે છે.

આ ઉપરાંત, ખૂબ તીવ્ર પેટનો દુખાવો, અસામાન્ય રક્તસ્રાવ અથવા અન્ય ગંભીર લક્ષણો હોય તો માત્ર તેને ઓવ્યુલેશનનું લક્ષણ માનીને અવગણવું નહીં અને તબીબી તપાસ કરાવવી.

સારાંશ

ઓવ્યુલેશન એ અંડાશયમાંથી પરિપક્વ અંડાણુ બહાર આવવાની કુદરતી પ્રક્રિયા છે અને ગર્ભધારણ માટે તેનું વિશેષ મહત્વ છે. સામાન્ય રીતે તે આગામી માસિક શરૂ થાય તેના આશરે 12થી 14 દિવસ પહેલાં થાય છે, પરંતુ ચોક્કસ દિવસ દરેક સ્ત્રીમાં અલગ હોઈ શકે છે.

યોનિ સ્રાવમાં ફેરફાર, હળવો પેટનો દુખાવો અને શરીરના કેટલાક અન્ય ફેરફારો ઓવ્યુલેશનના સંકેત આપી શકે છે, પરંતુ આ લક્ષણો દરેક વ્યક્તિમાં જોવા મળે તે જરૂરી નથી. ઓવ્યુલેશનની વધુ ચોક્કસ માહિતી મેળવવા માટે ઓવ્યુલેશન ટેસ્ટ કિટ, અલ્ટ્રાસાઉન્ડ અને જરૂરિયાત મુજબ રક્ત પરીક્ષણનો ઉપયોગ થઈ શકે છે.

PCOS, હોર્મોનલ અસંતુલન, થાયરોઇડની સમસ્યાઓ, શરીરના વજનમાં મોટા ફેરફારો અને અતિશય તણાવ અથવા કસરત જેવી પરિસ્થિતિઓ ઓવ્યુલેશનને અસર કરી શકે છે. તેથી ઓવ્યુલેશન સંબંધિત સતત સમસ્યા હોય તો તેનું મૂળ કારણ શોધવું મહત્વપૂર્ણ છે. યોગ્ય જીવનશૈલી, સમયસર તબીબી તપાસ અને જરૂરી હોય ત્યારે નિષ્ણાતની સારવાર દ્વારા ઘણી ઓવ્યુલેશન સંબંધિત સમસ્યાઓનું યોગ્ય સંચાલન કરી શકાય છે.

અવાર નવાર પુછાતા પ્રશ્નો:

1. ઓવ્યુલેશન અને ફર્ટાઇલ દિવસો વચ્ચે શું તફાવત છે?

2. ઓવ્યુલેશન પછી અંડાણુ કેટલો સમય જીવંત રહે છે?

3. શું દર મહિને ઓવ્યુલેશન થાય છે?

4. અનિયમિત માસિક હોય તો ઓવ્યુલેશન થઈ શકે?

5. ઘરે બેઠાં ઓવ્યુલેશન કેવી રીતે જાણી શકાય?

6. ઓવ્યુલેશન ન થાય તો શું ગર્ભધારણા શક્ય છે?

7. ઉંમર વધવાથી ઓવ્યુલેશન પર અસર થાય છે?

8. ઓવ્યુલેશનની સમસ્યા માટે ક્યારે ફર્ટિલિટી નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ?

Disclaimer: The information provided here serves as a general guide and does not constitute medical advice. We strongly advise consulting a certified fertility expert for professional assessment and personalized treatment recommendations.
© 2026 Indira IVF Hospital Limited. All Rights Reserved. T&C Apply | Privacy Policy| *Disclaimer